[ આજે શિક્ષણનો એક માત્ર ઉદ્દેશ 'નોકરી' મેળવવાનો થઈ ગયો છે. એ પણ અમુક જ પ્રકારની 'નોકરી' ! શિક્ષિત લોકો પોતાની સર્જનાત્મકતાને ભૂલીને એમ માનવા લાગ્યા છે કે આપણો ઉદ્ધાર એકમાત્ર મલ્ટિનેશનલ કંપનીઓ કરી શકશે. આ પત્રમાં તેને વ્યંગાત્મક રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. અહીં ભાવ જાણે ગોપીઓને મૂકીને શ્રીકૃષ્ણ અંતર્ધાન થઈ ગયા હોય તેવો છે. જેમ ગોપીઓ શ્રીકૃષ્ણને પ્રગટ થવા વિનંતી કરે છે, તેમ અહીં એક આમ નોકરિયાત મલ્ટિનેશનલ કંપનીને પોતાનો ઉદ્ધાર કરવા વિનવે છે.]
માનનીય શ્રી મલ્ટિનેશનલ કંપનીઓ,
આપને કોટિ કોટિ પ્રણામ. ઘણા સમયથી અમારા આંગણે આપનું આગમન થયું નથી, તો અમારી નમ્ર વિનંતીનો સ્વીકાર કરીને આપ અમારે ત્યાં સત્વરે પધારશો. આપને કદાચ અહેસાસ નથી કે અમારા મનમાં આપનું શું સ્થાન છે ! અમારા હૃદયની સંવેદનાઓ આપ સુધી પહોંચે એ માટે જ આ પત્ર આપને પાઠવ્યો છે. અમને આશા છે કે અમારા મનની આ વ્યથાને જાણીને આપ તુરંત અમારે દ્વારે દોડી આવશો….!
નાનપણથી અમને જે મોટી-મોટી ડિગ્રીઓ મેળવવાનું કહેવામાં આવે છે એનું અંતિમ લક્ષ્ય તમારું શરણું સ્વીકારવાનું જ હોય છે. તમારે ત્યાં નોકરી મેળવનાર પાસે તો ઈન્દ્રલોકનું પદ પણ તુચ્છ છે ! અમારા બધા અભ્યાસક્રમો અગાઉથી તમારી જરૂરિયાત પ્રમાણે ઘડવામાં આવે છે. ભલે અમે 'એમ.બી.એ','સી.એ.' કે એન્જિનિયર કહેવાઈએ પરંતુ જો તમારી છત્રછાયા ન સાંપડે તો અમારાથી શેક્યો પાપડ પણ ભાંગી શકાય તેમ નથી ! આકર્ષક પગાર-પૅકેજ સામે જોતાં અમે રાત-દિવસ આપના ખ્યાલોમાં ડૂબેલાં રહીએ છીએ. તમે અમારો હાથ નહીં પકડો તો કોણ પકડશે ? તમે એક માત્ર અમારી ગતિ છો. આ જન્મમાં બીજું કંઈ મળે ન મળે, પણ જેને તમારું શરણું મળે છે, એ તો તરી જ જાય છે.
અમે સાંભળ્યું છે કે આપ જ્યાં જાઓ છો ત્યાં બધા ન્યાલ થઈ જાય છે. આપની પ્રતિક્ષામાં અમે બે-બે માસ્ટર ડિગ્રીઓ લઈને બેસી રહ્યાં છીએ ! આપના દ્વારા મળતી વિશેષ સવલતો વિશે એટલું બધું સાંભળ્યું છે કે જાતે કશું કરવાની ઈચ્છા જ નથી થતી. અમારી સ્થિતિ તો અહલ્યા જેવી છે, એક માત્ર આપની ચરણરજ દ્વારા જ અમારો ઉદ્ધાર થઈ શકે છે. જો આપનાં પાવન પગલાં અમારે ત્યાં ન થવાના હોય તો પછી આ બધી ડિગ્રીઓનો અર્થ જ શું છે ? અમે તો અમારી રીતે કશું કરી શકીએ તેમ નથી. અમને તો એમ શિખવવામાં આવ્યું છે કે 'મલ્ટિનેશનલ કંપની જ તમારું લક્ષ્ય છે…..' આપ સાક્ષાત અભયનું સ્વરૂપ છો. બિઝનેસમાં તો અનેક ભયસ્થાનો છે. અમારા માટે તો એ ભવસાગરમાંથી પાર ઉતરવા સમાન કઠિન છે. એ તો જાણે યોગનો માર્ગ છે ! અમને તો તમારો 'બેઠા પગારવાળો' આકર્ષક માર્ગ જ વધુ પસંદ છે. એમાં અમને સહેજેય ભય નથી. આપનું શરણ લેનારને વળી ભય શાનો ?
અમે તમારા માટે ઘર-પરિવાર બધું જ છોડી દેવા તૈયાર છીએ. તમે કહેશો ત્યાં જૉબ કરીશું. તમે જ્યાં જગ્યા આપશો ત્યાં પડ્યા રહીશું. આપનું જો સાંનિધ્ય પ્રાપ્ત થતું હોય તો બે દિવસનો ટાઢો ભાત ખાવો પડે તો પણ અમને વાંધો નથી. અમે આપની ચોવીસે કલાક સેવા કરીશું. ભલે ને તમારા ઓફિસના નવ કલાક હોય. અમે તો એ પછી પણ મોબાઈલ અને લેપટોપ વડે આપનું જ કામ કરતાં રહીશું. આપના સ્મરણ વિના એક ક્ષણ વ્યર્થ નહીં જવા દઈએ. અમને ખબર છે કે ઘરકામ જેવી તુચ્છ બાબતો આ વિરાટ કાર્યમાં વિધ્નરૂપ બનવાની છે, પરંતુ અમે એ માટે પહેલેથી જ એટલા સજ્જ છીએ કે આપને ફરિયાદનો એક મોકો નહીં આપીએ. આખરે દુનિયાના બધા સંબંધો એક પ્રકારની મોહમાયા જ છે ને ? તો પછી એનાથી દૂર શું અને નજીક શું ? શરણ તો એકમાત્ર આપનું છે, જે જીવનભર સાથ નિભાવનારું છે. સામાન્યજનો સંયુક્ત કુટુંબો છોડી શકતાં નથી, પરંતુ જે આપનું શરણ લે છે, તે વિના કોઈ વિધ્ને સરળતાથી કુટુંબ બહાર પગ મૂકી શકે છે.
વિકાસની જે વ્યાખ્યા આ જગતમાં આપે લોકો સમક્ષ મૂકી છે તેવી અગાઉ કોઈએ મૂકી નથી. આપના સાંનિધ્યથી જ લોકોને સમજાયું છે કે હવાઈયાત્રા, લકઝરી કાર, ટૂરિસ્ટ પેકેજો અને મોંઘીદાટ વસ્તુઓ જીવનમાં કેટલી બધી અગત્યની છે ! એના વિનાનું તો જીવન તે કાંઈ જીવન છે ? દર રવિવારે 'શૉપિંગ' કરવાનો આપે જે મહામંત્ર આપ્યો છે એનાથી આખા જગતનાં કેટલાંય દુઃખો જાણે નામશેષ થઈ ગયાં છે. દસ રૂપિયાની વસ્તુ માટે હજાર રૂપિયા ખર્ચવાનો આનંદ કેવો હોય તે આ જગતના પામર મનુષ્યો શું આપનું શરણું સ્વીકાર્યા વગર જાણી શક્યા હોત ? આપની એક જાદુઈ લાકડી ફરે છે અને ઘરની ચીજવસ્તુઓ બદલાવા માંડે છે. ટીવીમાંથી પ્લાઝમા ટીવી, મોબાઈલમાંથી આઈફોન, એ.સી.માંથી સ્પ્લિટ એ.સી. – એ બધો વિકાસ આપને આભારી છે. ભલે અમે બધી વસ્તુઓ વાપરીએ કે ન વાપરીએ પરંતુ અમારી પાસે બધું જ છે એવું ગર્વ સાથે કહી તો શકીએ છીએ ને ! તમારા પ્રતાપે તો અમે હજારોના હપ્તાઓ હસતાં હસતાં ભરી શકીએ છીએ. તમારા તપના પ્રભાવે તો અમે ત્રણ-ત્રણ માળ ચણી લીધા છે. અમારા સંતાનોની ભાવી પેઢીઓ તમારી સેવા કરી શકે એ માટે અમે અત્યારથી જ તેઓને મોંઘીદાટ સ્કૂલોમાં મોકલી દીધાં છે. આખરે તમારું ઋણ ભૂલાવું ન જોઈએ !
આપનું નામ જ કેટલું પાવનકારી છે ! આપના નામનો ઉલ્લેખ કરતાંની સાથે અમને લોન મળી જાય છે. ક્રેડિટ-કાર્ડ આપનારી બેંકો અમારા પગમાં આળોટતી થઈ જાય છે. મોંઘીદાટ કાર વેચનારી કંપનીઓ અમને રોજ ફોન કરે છે. લગ્ન ન થતાં હોય તો લગ્ન તાત્કાલિક ગોઠવાઈ જાય છે. ઈન્સ્યોરન્સ કંપનીઓ અમારી આગળ પાછળ ફરતી થઈ જાય છે. આ સુખ માટે તો હજારો દુઃખો મુબારક છે ! ઘણાં એમ કહે છે કે મલ્ટિનેશનલ કંપનીઓમાં ખૂબ પોલિટિક્સ રમાય છે અને ઘણી તાણ સહન કરવી પડે છે, પરંતુ અમે કહીએ છીએ કે કશુંક મેળવવા માટે કશુંક તો સહન કરવું જ પડે ને ? માણસની સહનશક્તિની સાચી કસોટી તો તમારે ત્યાં જ થાય છે. વળી, સંવેદનશીલ માણસને આપ બાયપાસ સુધીની તબીબી સુવિધાઓ એ માટે જ તો આપો છો ! કેવું આપનું આગોતરું આયોજન છે ! આપના આયોજનને આ સૃષ્ટિના બ્રહ્મા પણ સમજી શકે તેમ નથી. બિચારા નોકરીયાતનું તો શું ગજું ? જે આપનો પાલવ પકડી લે છે તે ધીમે ધીમે લાગણી, સંવેદના, ઋજુતા અને કરુણા જેવા ફાલતું ગુણોથી મુક્ત થઈ જાય છે. તેને માટે જગતના બધા જ મનુષ્યો સમાન થઈ જાય છે. તે જેવો વ્યવહાર બહારના લોકો સાથે કરે છે તેવો જ વ્યવહાર ઘરના લોકો સાથે કરે છે. બહુધા તે મૌન પાળે છે કારણ કે તેને બોલવા માટે સમય જ બચતો નથી. સવારથી રાત સુધી માત્ર આપની સેવામાં લાગી જનારને વળી સૂર્યોદય કેવો અને સૂર્યાસ્ત કેવો ? આઠ લાખનું આપનું પેકેજ ભલભલા સર્જનાત્મક લોકોની સર્જનાત્મકતાને ખતમ કરી નાખે છે. તેઓ પણ આ અભયપદનો સ્વાદ ચાખીને આપનું શરણું ગ્રહી લે છે. 'સિક્યોરીટી' અને 'સ્ટેબિલિટી' નામના જે બે શબ્દોને આપે જન્મ આપ્યો છે, એ તો આજના યુગના જાણે શીલાલેખ સમાન બની ગયા છે. આપનું એક ચરણ 'સિક્યોરીટી' આપે છે તો બીજું ચરણ 'સ્ટેબિલિટી' આપે છે.
આપને ખબર જ નથી કે અમારા મનમાં આપની માટે કેટલો અહોભાવ છે ! અમે આપના દ્વારા બનેલી લગભગ દરેક ચીજવસ્તુઓ વાપરીએ છીએ. વસ્ત્રો પણ આપને ત્યાંના જ પહેરવાનો આગ્રહ રાખીએ છીએ. શેરીના નાકે મળતી દુકાનમાંથી કરિયાણું ખરીદીએ તો આપની સેવા શી રીતે થઈ શકે ? એથી, જ્યાં આપની અમીદષ્ટિ ફેલાયેલી હોય તેવી જગ્યાએથી જ ઘરવપરાશની ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખીએ છીએ. ટીવીમાં જે કોઈ નવી વસ્તુ જોવા મળે તે બીજે દિવસે આપના પ્રભાવથી ખરીદી લઈએ છીએ. બાળકોમાં આ ગુણ વિકસે એ માટે સતત સાવધાન રહીએ છીએ. એમને વારસામાં આપવા માટે બંગલો, ગાડી અને ફાર્મહાઉસથી મૂલ્યવાન બીજું શું હોઈ શકે ? એમનાં લગ્નપ્રસંગો વધુ ને વધુ ખર્ચાળ અને આધુનિક શી રીતે કરી શકાય એ માટે અમે સતત ચિંતિત રહીએ છીએ. એ બાબતમાં તો અમે આપની વિશેષ કૃપાદષ્ટિ ઈચ્છીએ છીએ. અમે બાળકોને મોંઘામાં મોંઘી ચીજવસ્તુઓ લાવી આપીને કહીએ છીએ કે 'જો આ પ્રકારનું ઉચ્ચ જીવન(!) જીવવું હોય તો મલ્ટિનેશનલ કંપનીઓનું શરણ ગ્રહી લો….' હજુ કળિયુગનો પ્રભાવ ઓછો છે તેથી તેઓ માની જાય છે અને વધુ ને વધુ ટકા લાવીને આપના માર્ગે શી રીતે પ્રયાણ કરી શકાય, તે સતત અમને પૂછતા રહે છે.
માત્ર આપના માટે અમે કેટલો ભોગ આપ્યો છે એનો આપને સહેજેય અંદાજ હશે ખરો ? અગાઉ દરરોજ મિત્રોની ઘરે જતાં હતાં, જે અમે સદંતર બંધ કરી દીધું છે. બાળકોને રોજ રાત્રે વાર્તાઓ કહેવાની જૂનવાણી પદ્ધતિ બંધ કરીને અમે તેઓને કમ્પ્યૂટર લાવી આપ્યું છે. મહેમાનોને શક્ય એટલું દૂર રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. પત્નીને ઘરના કંટાળાજનક કામોમાંથી મુક્ત કરીને આપના ચરણોની દાસી બની શકે તેવું વાતાવરણ પૂરું પાડ્યું છે. અમે તો તન, મનથી કેવળ આપને જ સમર્પિત છીએ, જેથી અમને આપનું ધન નિયમિત પ્રાપ્ત થતું રહે. 'હવે તહેવારો પહેલાં જેવા નથી રહ્યાં' એમ બોલી-બોલીને અમે કોઈ તહેવારો ઉજવતાં નથી. દિવસ-રાત કેવળ આપનું રટણ કર્યા કરીએ છીએ. અમે તો એમ જ માનીને ચાલીએ છીએ કે આપની આખી કંપની કેવળ અમારા થકી જ ચાલે છે ! કહો, આટલો આત્મીયભાવ આપને ક્યાંયથી મળ્યો છે ખરો ? આપની સેવા કરતાં કોઈના શ્રીમંત, ચૌલ-સંસ્કાર, લગ્નપ્રસંગ કે મરણમાં ન જઈ શકાય તો જરાય અફસોસ થતો નથી. આખરે અમારું જીવન તો કેવળ આપના માટે જ છે ને ? જ્યારે અમે તમારી શરણમાં નહોતાં ત્યારે સાંજે છ વાગ્યે છૂટીને ઘરે જઈને હિંચકે બેઠાં-બેઠાં પરિવાર સાથે આઈસ્ક્રીમ ખાતાં હતાં. મોજમજા કરતાં પડોશીઓ સાથે ગપ્પાં મારતાં હતાં. પરંતુ જ્યારથી આપનું સાંનિધ્ય સાંપડ્યું છે ત્યારથી અમને સત્ય સમજાયું છે કે એ બધું 'ટાઈમ વેસ્ટ' હતું. આપે વિકાસની વ્યાખ્યા સમજાવી એ પછી તો અમે એ બધું ક્યારનુંય છોડી દીધું છે. હવે અમને એ તરફ જોવાની પણ ફુરસદ નથી.
હજી તો અમારી આંખોમાં કેટલા બધાં સપનાં અંજાયેલાં છે ! બાળકો માટે નવું લેપટોપ ખરીદવાનું છે. પરિવાર સાથે સિંગાપોરની જાત્રા (!) કરવાની છે. તમને તો ખબર જ હશે ને કે આઈફોન-4 પણ આવી ગયો છે ! સગાં-વહાલાંઓ હવે અમારી કારને 'ખટારો' કહે છે ! તમારી હયાતીમાં આવું અમે કેવી રીતે સાંભળી લઈએ ? પેલાં નવાં નીકળેલાં ડિજિટલ આલ્બમ અને કેમકોર્ડર અમે નહીં લઈએ તો કોણ લેશે ? ઘણીવાર તો એમ થાય છે કે આ બે રૂમના ફલેટને વેચીને પેન્ટહાઉસ લઈ લઈએ. શું થાય ? સ્ટેટ્સ પ્રમાણે તો રહેવું જોઈએ ને ! બાળકોને સમરકેમ્પમાં આ વખતે શિકાગો મોકલવાં છે. અમે તો એકમાત્ર તમારું નામ દઈને આ સઘળા સંઘર્ષોમાં ઝંપલાવતા રહીએ છીએ. આપના ભરોસે પાર થઈશું જ એવી અમને શ્રદ્ધા છે.
આ ભવસાગરમાં તમે આમ અમને મઝધારમાં છોડીને ચાલ્યા જશો તો અમે કોનું શરણ ગ્રહીશું ? અમારા બાળકો કોના માટે ભણશે ? તેઓના એડમિશન માટે ડોનેશન ક્યાંથી લાવીશું ? અમારી લોનોના હપ્તા કોણ ભરશે ? દર રવિવારે મૉલમાં કોણ જશે ? તમારા વગર તો ફિલ્મો-પાર્ટી-ડાન્સ-શૉ ઠંડા પડી ગયા છે. ઘરમાં વસાવેલી આ બધી વસ્તુઓ અમે 'અપડેટ' નહીં કરીએ તો અમારું ઘર મ્યુઝિયમ બની જશે એવી અમને ચિંતા છે. એકમાત્ર તમારા સહારે તો અમે આ પથારો પાથર્યો છે ! હવે આમ તમે અમને છોડીને ચાલ્યા જાઓ એ કેમ ચાલે ? માટે….પ્લીઝ…. તમે આવો….. અમારો હાથ ઝાલો….. અમારી આ નમ્ર વિનંતીનો સ્વીકાર કરીને અમારે ત્યાં પધારો…..અમને ખાત્રી છે કે આ પત્ર દ્વારા તમે અમારી વ્યથા જાણ્યા પછી તુરંત અમારા દ્વારે દોડી આવશો…. અસ્તુ.
લિ.
આપનો પરમવિશ્વાસુ,
એક આમ નોકરિયાત !
No comments:
Post a Comment